skip to main |
skip to sidebar
કેવી રીતે ?
માત્ર ભીંતો, છત, ફરસ થી ઘર બને કેવી રીતે ?
પ્રેમ ના ચણતર વિના સધ્ધર બને કેવી રીતે ?
હું દિવાલો ને હંમેશાં આંગળાં થી ખોતરું
ને કાંકરા ઓ આંગળે જડતર બને કેવી રીતે ?
ચાતરેલા એ જ ચીલા પર અગર ચાલ્યા કરું,
તો પછી રસ્તો કોઇ નવતર બને કેવી રીતે ?
ના, મને એ વાતની ચિંતા નથી, હું બુંદ છું,
પણ વિચારું બુંદ નો સાગર બને કેવી રીતે ?
હું સતત અવહેલના ના નાગ પંપાળ્યા કરું,
તો પછી "આનંદ" નો અવસર બને કેવી રીતે ?
-અશોક જાની
બહાનાં
ચરણે બે પ્રવાસી અને માર્ગ ધુમ્મ્સ
તને યાદ કરવા જડે છે બહાનાં,
વહી જાય છે, રોજ પાણી શિખરથી
છતાં પથ્થરો ઉંચકું છું હવા નાં ,
ટપકતું થયું મૌનવેગી પ્રવાહી
કરો કોઇ ઉપચાર આ શુન્યતા નાં.
થીજેલા સમયનું નગર શોધવું છે
મને જીવવા ઠીક જડતાં બહાનાં
-ચિનુ મોદી
નિસ્બત જોઇએ
જિંદગી માં એક મિલકત જોઇએ,
દિલભરી છલછલ મહોબ્બત જોઇએ.
બાગ છે, ફુલો ય છે, મકરંદ છે,
માણવા મનને ય નિસ્બત જોઇએ.
એ ભલે ભેગું કરે ઝાકળ છતાં,
પી શકે એવી ય કિસ્મત જોઇએ.
જીતવાની છો રહી આદત મને
હારવાની તોય હિંમત જોઇએ.
દોસ્ત તુજને હું ખરે પરખી શકું,
બસ, અમારે એક આફત જોઇએ.
રાહ જુએ છે ઘણી "આનંદ" બસ
આંગણે એને તથાગત જોઇએ.
-અશોક જાની-"આનંદ"-
સલામત છે.
તમે જો સાથ મારી હો, પછી આ દિલ સલામત છે.
ગમે તે રાહ પર ચાલું છતાં મંઝિલ સલામત છે.
ઉછળતાં પ્રેમ નાં મોજાં પછી ગભરાવું શા માટે ?
કિનારે શું હવે મઝધારે પણ સાહિલ સલામત છે.
નજર ના તીર થી કીધાં કંઇક દિલને તમે ઘાયલ
ઘવાયું દિલ છતાં કહે છે હજુ આ દિલ સલામત છે.
તમે છો ચેન આ દિલનું અને આંખો નું અજવાળું,
તમારા થી સિતાર ચાંદની ઝીલમીલ સલામત છે.
તમારા આ પ્રેમ નો કેફ આંખો પર છવાયો છે,
કદમ છોને ડગે ને દિલ ભલે ગાફિલ સલામત છે.
-અશોક જાની
મલકી ગયું
સંવેદના નું લોહી શેં થીજી ગયું ?
લાગણી ને કોણ આ ભરખી ગયું ?
કોણે જલાવ્યો આ પ્રણય કેરો અનલ
કોનું જીગર ભડોભડ સળગી ગયું ?
અમસ્તું વિચાર્યું'તુ અમે ને આ જુઓ
આંગળી પર અસ્તિત્વ એ વળગી ગયું!
ખંખેરી નાંખું રોજ એના ખ્યાલને
કોણ એને દિલ સુધી ધરબી ગયું ?
દિદાર થી એના હું થાઉં તરબતર
કોણ વ્હાલપ થી મને નીરખી ગયું?
આંખ મારી આંખ થી આ શું મળી
મુખ "આનંદ" થી તરત મલકી ગયું.
-અશોક જાની
સમજી જજે
વાત સીધી સાવ છે, સમજી જજે,
વ્યકત સાચા ભાવ છે સમજી જજે.
જે મથે તું તારવા ભવ સાગરે,
છેદવાળી નાવ છે સમજી જજે.
થઇ ને કાજી ન્યાય તું કરજે પછી,
જાત સામે રાવ છે સમજી જજે.
નિત નવી બાજી હવે તું ખેલ ના,
એજ જુના દાવ છે સમજી જજે.
સજ્જ્ન અહીં દંડાય છે કારણ વિના,
દુષ્ટને શરપાવ છે સમજી જજે.
એમ ના સહેલાઇથી તું વહી શકે,
ઠેર ઠેર અટકાવ છે સમજી જજે.
વર્ષો સુધી દુઝતા રહે 'આનંદ' જો
પીઠ પરના ધાવ છે, સમજી જજે.
-અશો જાની -"આનંદ"
જો હું લખી શકત તમને
એક અતિ ઉત્તમ સંપુર્ણ પત્ર
તો
તેના શબ્દો ઝગારા મારત,
તમારા નયનો ની જેમ જ
તેમાં થી સુવાસ આવતી હોત,
જેવી તમારા દેહ માં થી આવે છે.
તેમાં થી સ્વરો નીકળત,
જેવા તમારા કંઠ માંથી નીકળે છે.
તે પણ હુંફ આપત,
જેવી તમારા હાથ આપે છે.
મારો પત્ર એવો હોત,
જાણે તમારા જ લોહીના બુંદ નું લખાણ
તમારી જ વાચાનો જાણે રણકતો પડઘો
તેમાં સાંભળી શકાત
એક એવા હ્રદય નો ધબકારો,
જે પોતાનું ખુદ નું જ રહ્યુ નથી.
એવો સ્નિગ્ધ પ્રેમ એમાંથી નીતરત,
જે સંપુર્ણ સમર્પિત થઇ ગયેલો છે.
એ પત્રના શબ્દો એવા તો હોત,
જાણે તે શબ્દ રહ્યા જ નથી.
એક અણકહી વાત, જેમાં
તમારા અંતરમન નો સાદ ડોકીયા કરતો હોત,
આવો હોત, તે આદર્શ પત્ર.
જો હું લખી શકત તમને
એક ઉત્તમ સંપુર્ણ પત્ર.
તો તમે પોતે જ મારો પત્ર હોત.
-હેલ્ગેટો ચેડનબોર્ય
માણસ છું
હું એક ખતા નો માણસ છું ને ઘણી સજાનો માણસ છું,
થોડીક પીડા નો માણસ છું ને તોય મજાનો માણસ છું,
સંજોગો પણ જોને ટપલી દાવ રમાડે છે કેવો ?
તોય હજી હું અણનમ છું, બુલંદ ગજા નો માણસ છું.
રોજ સવારે ઉગતો સુરજ નવી સમસ્યા લાવે છે,
હું હરપળ ઉગતી એક દ્રિધા ને એક કજાનો માણસ છું
રાજકાજ ના દંભ અખાડા મને કદી ના ફાવ્યા છે,
હું એક સરળ, હું એક સહજ, હું રાંક પ્રજાનો માણસ છું,
અવસાદી પળ માં પણ 'આનંદ' કરવાની જીદ છે મારી,
બસ તેથી હું મજા-મજાનો ફકત મજાનો માણસ છું.
-અશોક જાની - "આનંદ" -આસોપાલવ
વાત મજાની
લે કહું છું હું તને એક વાત નાની,
તું ય સાંભળજે ખરેખર છે મજાની.
ફુલ સાથે કંટકો ને રાખવાની,
ના કહી દે છે સરાસર ફુલદાની.
હાથ માં લાગે, નથી એ હાથ તારા,
આ લપસણી દોર તારા આયખાની.
હું હવે એકાન્તના તળિયે જઇ ને,
સાંભળું છું વાત ક્ષણનાં છીપલાં ની.
યાદ એની રહી જશે આદત બનીને,
ક્યાં જરુરત છે પછી ઘર વાસવાની.
ને તમે કહો છો હું કોશીશ કરું છું,
વાત બાકી આ નથી મારા ગજાની.
જખ્મ ને પંપાળતા પંપાળતા લે,
સાવ "આનંદ" માં વીતી ગઇ જીંદગાની.
-અશોક જાની- "આનંદ" આસોપાલવ
મલકાઉં છું
વ્યથૅતામાં હું હવે અટવાઉં છું,
ખુદ રચીને ભીંત ખુદ અથડાઉં છું.
મુલ્ય સહુ વેચી દીઘાં ફોગશ્ હવે,
બાકી રહ્યું ના કાંઇ ખુદ વેચાઉં છું.
મેં ખરેખર હામ રાખી એટલે,
વિષ જીવનનું હવે પી જાઉં છું.
કંઇક લોકોને ભરાવ્યા ભેખડે,
ને કિનારે રહી ઊભો મલકાઉં છું.
એક નાનું બુંદ ઉમેર્યુ અને
ગવૅ થી સાગર સમક્ષ છલકાંઉ છું.
વ્યસ્ત આખી જિંદગી હું તો રહ્યો,
ને હવે આરામ થી અકળાઉં છું.
-અશોક જાની "આનંદ"- આસોપાલવ
હત્ તેરી કી !!
જીવવા ખાતર જીવતર જીવ્યો ! હત્ તેરી કી !!
સાવ આટલું બદતર જીવ્યો ! હત્ તેરી કી !!
જીવવું તો હરિયાળા - લીલા ખેતર જેવું,
તું તો સાવ જ પડતર જીવ્યો ! હત્ તેરી કી !!
જરુર પડી તો સામી છાતીએ લડવું'તું,
ડરતાં ડરતાં થર થર જીવ્યો ! હત્ તેરી કી !!
પથ્થર જેવું નક્કર જીવવું ખુબ જરુરી,
રેતી જેવું ખર્ ખર્ જીવ્યો ! હત્ તેરી કી !!
આત્મબળે જીવવા થી બીજું રુડું શું છે ?
ના તુ બિલકુલ પગભર જીવ્યો ! હત્ તેરી કી !!
તું જ નથી બસ, તારા જેવા કંઇક બીજા છે,
"આનંદ" એવું અક્સર જીવ્યો ! હત્ તેરી કી !!
- અશોક જાની -"આનંદ" - આસોપાલવ
પછી ની વાત છે.
પ્રેમ ની એ પળ પછી ની વાત છે,
ફુલ પર ઝાકળ પછી ની વાત છે.
એકબીજા ને જો મળવાં આપણાં
મન થયાં વિહવળ પછી ની વાત છે.
દ્રાર પર આવી ને તેં દસ્તક દીઘા,
મેં દીધી સાંકળ પછીની વાત છે.
આ ઇરાદો કોઇ પલટી ના શકે,
ઉદભવેલા બળ પછી ની વાત છે.
આજ થી તું કર હવે "આનંદ" બસ,
પીધેલાં મ્રુગજળ પછી ની વાત છે.
- અશોક જાની "આનંદ" -આસોપાલવ
તારા વિના
ક્ષણો મ્રુત લાગે છે મને તારા વિના
શુન્ય નો આકાર લાગે છે, તારા વિના
દુર ચાલ્યો જાઉં છું, પણ છું નજીક તારી જ હું
યાદ નો આકાર લાગે છે, તારા વિના
આશરો લઉં છું, સહારો શોધુ છું
દદીલો અણસાર લાગે છે તારા વિના
ઘુંઘવે છે, એક દરિયો જાગરણ આંખો માં
સ્વપનો પર ભાર લાગે છે. મને તારા વિના
છાતી મા ડુમો ભરાયો છે, અભાવો નો સજની
વેદના લાગે છે, તારા વિના .....
-Unknown