Showing posts with label helgeto chedanborya. Show all posts
Showing posts with label helgeto chedanborya. Show all posts

Tuesday, December 16, 2008

આદર્શ પત્ર

જો હું લખી શકત તમને
એક અતિ ઉત્તમ સંપુર્ણ પત્ર
તો
તેના શબ્દો ઝગારા મારત,
તમારા નયનો ની જેમ જ
તેમાં થી સુવાસ આવતી હોત,
જેવી તમારા દેહ માં થી આવે છે.

તેમાં થી સ્વરો નીકળત,
જેવા તમારા કંઠ માંથી નીકળે છે.
તે પણ હુંફ આપત,
જેવી તમારા હાથ આપે છે.

મારો પત્ર એવો હોત,
જાણે તમારા જ લોહીના બુંદ નું લખાણ
તમારી જ વાચાનો જાણે રણકતો પડઘો
તેમાં સાંભળી શકાત
એક એવા હ્રદય નો ધબકારો,
જે પોતાનું ખુદ નું જ રહ્યુ નથી.

એવો સ્નિગ્ધ પ્રેમ એમાંથી નીતરત,
જે સંપુર્ણ સમર્પિત થઇ ગયેલો છે.
એ પત્રના શબ્દો એવા તો હોત,
જાણે તે શબ્દ રહ્યા જ નથી.

એક અણકહી વાત, જેમાં
તમારા અંતરમન નો સાદ ડોકીયા કરતો હોત,
આવો હોત, તે આદર્શ પત્ર.
જો હું લખી શકત તમને
એક ઉત્તમ સંપુર્ણ પત્ર.
તો તમે પોતે જ મારો પત્ર હોત.

-હેલ્ગેટો ચેડનબોર્ય